ટીંબી ખાતે યોજાયો માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ
સાધુ માટે લક્ષ્મી દૂષણ પણ સંસારી માટે ભૂષણ બની શકે, જો સદ્કાર્યમાં વપરાય તો
ટીંબી ખાતે શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ખાતે સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં યોજાયો માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ
ઈશ્વરિયા શુક્રવાર તા.૪-૧૧-૨૦૨૨
સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે યોજાયેલા માનવસેવા મહાયજ્ઞમાં સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં ગુરુકૃપા અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન સંપન્ન થયું.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજીની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે ગુરૂવારે ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવમાં દાનવીરો, કર્મવીરો તથા ધર્મવીરોની ભાવવંદના કરવામાં આવી હતી.
સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજીએ આ પ્રસંગે ઉદબોધન કરતા સૌ દાતાઓને બિરદાવતા કહ્યું કે, સાધુ માટે લક્ષ્મી દૂષણ છે, પરંતુ સંસારી માટે આ લક્ષ્મી ભૂષણ બની શકે છે, પરંતુ જો સદ્કાર્યમાં વપરાય તો. માનવસેવા સાથે તમામ પ્રાણીઓમાં 'શિવ' જોવા માટે જ્ઞાન, ભક્તિ અને કર્મના આગ્રહી રહેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજના સંકલ્પ ભાવનાના પરિણામે આ સેવાકાર્ય ચાલી રહ્યાનો ભાવ જણાવ્યો. સંસ્થાના બાર વર્ષની સેવા પ્રવૃત્તિ એ બાર વર્ષની સાધના ગણાવી.
સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ ગુરુદેવના આશીર્વાદ સાથેની આ સંસ્થા માટે ગુરુદેવની પ્રેરણાથી દાન સહયોગ આપનારા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો.
ટીંબીની આ સારવાર સંસ્થા માત્ર ગોહિલવાડ નહિ પરંતુ સમગ્ર રાજ્ય માટે સુપ્રસિદ્ધ સારવાર સંસ્થા બની છે, જેના આ મહોત્સવ પ્રસંગે અધ્યક્ષ રહેલા શ્રી ધીરજભાઈ કોટડિયાએ તપસ્વીના સંકલ્પનું પરિણામ મળ્યાનું કહી, જીવ માટે પોતાની સલામતી સૌથી અગત્યની છે, જેમાં માનવ જીવ જ તમામ જીવની સુખાકારી માટે કાર્ય કરી શકે છે તેમ જણાવ્યું.
આ પ્રસંગે શ્રી મથુરભાઈ સવાણીએ ગ્રામ્ય વિસ્તારમાં બાળકના માતા પિતાની તંદુરસ્તી અનિવાર્ય ગણાવી અને તેથી જ તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ થઈ શકે તેમ જણાવી આવતા સમયમાં આ સંસ્થાને વિરાટ સેવા કાર્ય માટે તૈયાર રહેવા હાકલ પણ કરી.
શ્રી કેશુભાઈ ગોટીએ આ સંસ્થાની સેવા પ્રવૃત્તિની નોંધ સાથે રાષ્ટ્રની સંસ્કૃતિ ટકાવવા માટેના અભિગમ હેતુ સૌને ટકોર કરી. તેઓએ અહી આવતું દાન એ રૂપિયામાં નહિ મૂલવતા જીવન દાન થઈ રહ્યાનું કહ્યું.
સંસ્થાના મંત્રી શ્રી બાબુભાઈ રાજપરાએ સંસ્થાના સેવાના બાર વર્ષ સંબંધે એક તપ થયાનું જણાવી અહેવાલ રજૂ કરતાં અહી દાતાના એક રૂપિયાના દાનથી પાંચ રૂપિયાનું કાર્ય થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો. સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજની એક સંકલ્પ ભાવનાથી સેવા પ્રવૃત્તિ વિસ્તરી રહ્યાનું જણાવી અહી ગૌ શાળા, છાશ વિતરણ, રક્તદાન શિબિર, પ્રાકૃતિક આપદાઓમાં સેવા કાર્ય તેમજ કોરોના બિમારીમાં સંસ્થા દ્વારા સારવાર કાર્યની વિગતો આપી હતી.
કાર્યક્રમ પ્રારંભે ગુરૂ વંદના અને દીપ પ્રાગટ્યમાં મહાનુભાવો જોડાયા હતા. અહી ગુરુકૃપા અન્નક્ષેત્ર તથા વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. આ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી.
આ પ્રસંગે સંસ્થાના વિવિધ વિકાસ આયોજનો માટે કરોડો રૂપિયાના દાન જાહેર થયા હતા.
સંસ્થાના અગ્રણી શ્રી પરેશભાઈ ડોડિયાએ પ્રાસંગિક વાત કરી હતી. સંચાલનમાં શ્રી હરેશભાઈ માણિયા સાથે શ્રી મહેશભાઈ મોટકા રહ્યા હતા. આભાર વિધિ શ્રી તુષાર ભાઈ વિરડિયાએ કરી હતી.
આ પ્રસંગે દાતાઓ, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.