image

થોરડી લોકવિદ્યા મંદિર સંગોષ્ઠિ પ્રારંભ

ઉત્તરબુનિયાદી સંસ્થાઓનું શિક્ષણ
એટલે રાષ્ટ્ર અને સમાજ નિર્માણનું કાર્ય
 
સાવરકુંડલા પાસે થોરડી લોકવિદ્યા મંદિર ખાતે સંગોષ્ઠિ પ્રારંભ
 
થોરડી બુધવાર તા.૧૫-૨-૨૦૨૩
 
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા  લોકવિદ્યા મંદિર થોરડી ખાતે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિના પ્રારંભે મહાનુભાવોએ એક સૂર સાથે જણાવ્યું કે, ઉત્તરબુનિયાદી સંસ્થાઓનું શિક્ષણ એટલે રાષ્ટ્ર અને સમાજ નિર્માણનું કાર્ય છે.
 
રવિકૃપા સંસ્થાના સૌજન્ય સાથે પાંચ દિવસીય શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિનું સાવરકુંડલા પાસે થોરડી લોકવિદ્યા મંદિર ખાતે આયોજન થયું છે. આ શિબિર પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું.
 
'કૃત્રિમ બુદ્ધિમત્તા' વિષય સાથેની આ સંગોષ્ઠિ પ્રારંભે અધ્યક્ષ સ્થાને રહેલા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ લોકશાળાની શિક્ષણ પ્રણાલી અને સંસ્કાર સિંચનની પ્રવૃત્તિને બિરદાવી.   આવી સંસ્થાઓના જતન માટે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સરકાર મક્કમ રહ્યાનું જણાવ્યું. તેઓએ આત્મનિર્ભર ભારત સાથે પ્રાકૃતિક ખેતી વગેરેનો ઉલ્લેખ કર્યો.
 
અતિથિ વિશેષ રહેલા જાણિતા પ્રકૃતિ કાર્યકર્તા શ્રી મનસુખભાઈ સુવાગિયાએ પોતાના અનુભવો સાથે પ્રકૃતિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મ માટે ઉદબોધન કર્યું.  તેઓએ જળ ક્રાંતિ, ગૌ ક્રાંતિ અને ગાય આધારિત કૃષિ વિશ્વ મનનીય વાતો કરી અને સંસ્કૃતિના જતન માટે ભાર મૂક્યો. તેઓએ આવી સર્વોદય સંસ્થાઓના સંવર્ધન તથા આવી પ્રવૃત્તિના વારસદારો સવેળા ઊભા કરવા સમયની માંગ ગણાવેલ.
 
અહીંયા સંગોષ્ઠિ સાથે વિવિધ નિર્માણ કાર્યોની ભૂમિપૂજન તેમજ ઉદ્દઘાટનવિધિ સંપન્ન થયેલ. આ 'પર્વ સપ્તમી'  સાથે વિવિધ ઉપક્રમો યોજાયા જે પ્રસંગે મહાનુભાવોએ ઉત્તરબુનિયાદી સંસ્થાઓનું શિક્ષણ એટલે રાષ્ટ્ર અને સમાજ નિર્માણનું કાર્ય છે તેમ જણાવ્યું.
 
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘના પ્રમુખ શ્રી નાનુભાઈ શિરોયાએ શિક્ષણ સાથે જીવન અને મૃત્યુની પ્રવૃત્તિનો સંવેદનાત્મક વિરોધાભાસ જણાવી કહ્યું કે, સર્જનાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિ માટે તેનું શિક્ષણ મહત્વનું છે. 
 
આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના શ્રી હિંમતભાઈ ગૌડા એ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. 
 
અહી શ્રી ખોડાભાઈ ખસિયાએ આયોજન અને સંગોષ્ઠિ હેતુ જણાવ્યો હતો.
 
લોકવિદ્યા મંદિરના વડા શ્રી કાંતિભાઈ પરસાણાએ પ્રારંભે સ્વાગત ઉદ્બોધન સાથે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વગેરેના સ્મરણ સાથે આ સંસ્થા કેળવણીનો ઉલ્લેખ કરી આ અવસરનો રાજીપો વ્યક્ત કર્યો. 
 
સંસ્થાના શ્રી મનસુખભાઈ વાળાના સંચાલન સાથેના આ આયોજનમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ થયેલ તથા નિવાસી અંધ વિદ્યાલય વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગાન રજૂ થયેલ. આભાર વિધિ શ્રી અરવિંદભાઈ ચોડવડિયાએ કરી હતી.
 
આ પાંચ દિવસની સંગોષ્ઠિના ઉપક્રમમાં આંબરડી, બેલા, ચાંપરડા, વાળુકડ, ખડસલી, મોટી પાણીયાળી, માનપુર, આંબલા, મણાર, બપાડા તથા થોરડી લોકશાળાના વિદ્યાર્થીઓ જોડાયા અને તેમના કૃતિ નિદર્શનનો પ્રદર્શિત કરાયેલ છે.