image

તલગાજરડા સંતવાણી સન્માન સાથે સમૂહલગ્ન

ભજનિક વાદ્યકારોનું કાર્ય એટલે પરમોત્સવનું કાર્ય
- શ્રી મોરારિબાપુ
 
તલગાજરડા ખાતે સંતવાણી સન્માન સાથે સમૂહલગ્ન યોજાયા
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૧-૧૧-૨૦૨૨
 
ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે યોજાયેલ સંતવાણી સન્માન કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજનિક વાદ્યકારોનું કાર્ય એ  ઉત્સવ અને મહોત્સવ કરતા પણ પરમોત્સવનું કાર્ય છે. 
 
દરવર્ષની માફક આ વર્ષે પણ શ્રી પ્રભુદાસબાપુ હરિયાણીની પૂણ્યતિથિ નિમિત્તે શ્રી મોરારિબાપુના સાનિધ્ય આયોજન સાથે સંતવાણી સન્માન સાથે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા જેમાં ૧૨ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં છે, જેમાં ગણિકાની કન્યાઓ પણ જોડાયેલ.
 
સાંજે ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે સંતવાણી સન્માન ૨૦૨૨ કાર્યક્રમ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શ્રી હનુમાનજીની વંદના સાથે તેમની પ્રસન્ન ભાવના સાથે કરેલી વાતમાં જણાવ્યું કે, ભજન એ ઉચ્ચાર નથી, એ તો આચાર છે. ભજન વિશે શ્રી ઠાકુરજીના ભાવ સાથે શ્રી મોરારિબાપુએ ઉમેરો કરતાં કહ્યું કે, ભજનિક વાદ્યકારોનું કાર્ય એ ઉત્સવ અને મહોત્સવ કરતા પણ પરમોત્સવનું કાર્ય છે.
 
આ કાર્યક્રમમાં સંતવાણી સર્જક વંદના અન્વયે સંત કવિ શ્રી દાસી જીવણ અંતર્ગત શ્રી શામળાબાપુ (ઘોઘાવદર), ભજનિક સન્માન શ્રી ખેતશી કાળુભાઈ ગઢવી (કચ્છ), તબલાવાદક સન્માન શ્રી હર્ષદભાઈ રાવળ (જૂનાગઢ), બેન્જોવાદક સન્માન શ્રી આનંદભાઈ મકવાણા (મોરબી) તથા મંજીરાવાદક સન્માન શ્રી પરબતભાઈ પટેલ (બાબરા), એમ સંતવાણી ભજન આરાધકો કળાકારોને રોકડ રાશિ, સન્માન પત્ર તથા ચાદર વડે સન્માનિત કરી વંદના કરવામાં આવેલ.
 
કાર્યક્રમ પ્રારંભે શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંતવાણી સન્માનના ૧૬ વર્ષના ઉપક્રમની વિગતો આપી શ્રી પ્રભુદાસબાપુ હરિયાણીની પૂણ્યતિથિમાં સાધુ સંતોના સ્મરણ એટલે સંતવાણી સાથે સમૂહલગ્નનું આયોજન શ્રી મોરારિબાપુની પ્રેરણાથી થઈ થયાનું જણાવ્યું.
 
આ સન્માન સાથે જ અહી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગાયક ભજનિકો પૈકીનાએ ચૂંટણી આચારસંહિતા સમયપાલન સાથે એક એક ભજનની પ્રસ્તુતિ વડે સૌને મોજ કરાવી હતી.