ભાજપ દ્વારા સિહોરમાં સુશાસન સહયોગી સન્માન
નવભારત નિર્માણ અને સુશાસન માટે
ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ
- કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં સુશાસન સહયોગી સન્માન સમારોહ સાથે રક્તદાન શિબિર
ભાવનગર રવિવાર તા.૧૫-૧-૨૦૨૩
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સુશાસન સહયોગી સન્માન સમારોહ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. અહી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.
ભારતીય જનતા પક્ષ માટે સત્તા મહત્વની નથી, પરંતુ સામાજિક જવાબદારી મહત્વની છે, તેમ કહી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું.
શ્રી મનસુખભાઈ માંડવિયાએ ભાવનગર જિલ્લાના વિજયી બનેલા ધારાસભ્યોને શુભકામના પાઠવી સંઘ પરિવારના શ્રી દિનદયાળ ઉપાધ્યાયના સ્મરણ સાથે 'એકાત્મ માનવ વાદ' સાથે તેમના સંદેશાને આત્મસાત કરવા ભાર મૂક્યો. ભાજપ દ્વારા કોરોના, ભૂકંપ, અતિવૃષ્ટિ કે અન્ય સેવાકાર્યોની ભૂમિકાનો ઉલ્લેખ કરી ચૂંટણી માટે નહિ પણ સમાજ ઉત્થાન માટે કાર્યકર્તાઓ રહેતા હોવાનું જણાવ્યું.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આ સમારોહમાં વિજયી ધારાસભ્યો શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી શંભૂનાથજી ટુંડિયા, શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણનું મહાનુભાવોના હસ્તે તેમજ શુભેચ્છકો દ્વારા સન્માન અભિવાદન કરાયેલ. અહી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ રહી, તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની એક પછી એક વૈશ્વિક સિદ્ધિઓની નોંધ લઈ આપણું ગૌરવ ગણાવ્યું. છેવાડાના માણસ સુધી ભાજપ કામ કરી રહ્યાંનું જણાવી રાજકીય પ્રતિનિધિઓને પણ તે માટે જનસેવા દ્વારા સુશાસન માટે મંડી રહેવા અનુરોધ કર્યો.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ પ્રારંભે સ્વાગત ઉદ્દબોધનમાં ભાજપના વિક્રમરૂપ વિજય માટે સૌ કાર્યકર્તાઓને બિરદાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે નાગરિકોનો પ્રેમ રહ્યાનો હરખ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા બેઠકના ભાજપ વિજયના ૧૫૬ આંકડાના લક્ષ્યાંક સાથે રક્તદાન શિબિરનું પ્રેરણાદાયી આયોજન થયું હતું.
આ પ્રસંગે સન્માનિત ધારાસભ્યો પૈકી શ્રી શંભુનાથજી ટુંડિયાએ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
આભાર વિધિ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલે કરી હતી
અહી શ્રી પાર્થ વ્યાસ દ્વારા શ્રી અટલબિહારી વાજપેયીની રચના રજૂ થઈ હતી.
શ્રી નાનુભાઈ ડાખરાના સંચાલન સાથે ભાજપ મહામંત્રીઓ શ્રી હરેશભાઈ વાઘ, શ્રી કેતનભાઈ કાંત્રોડિયા સાથે શ્રી ભૂપતભાઈ બારૈયાનું આયોજન સંકલન રહ્યું હતું.
સિહોર ખાતેના આ સન્માન સમારોહમાં ભાજપ અગ્રણીઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી કેશુભાઈ નાકરાણી, ડો. શ્રી કાનાબાર, શ્રી રાઘવજીભાઈ મકવાણા, શ્રી રેખાબેન ડુંગરાણી, શ્રી ચિથરભાઈ પરમાર, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી પેથાભાઈ આહીર સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા અને વિવિધ સંસ્થા સંગઠન દ્વારા વિજયી ધારાસભ્યોનું સન્માન અભિવાદન કરાયું હતું.