સોળ પૂરા અને સત્તરમાં વર્ષમાં...
વ્હાલા ગ્રામપરિવારજનો...
નવા વર્ષના અભિનંદન...!
ઈશ્વરિયા વિજાણું પટલ લાભપાંચમ પર્વે સોળ પૂરા અને સત્તરમાં વર્ષમાં પ્રવેશ કરે છે...
'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' એમ આપણાં ઈશ્વરિયા ગામને કેન્દ્રમાં રાખી વાત વિગતો અહી રજૂ સંજોગો મુજબ થતી રહી છે, જેને સૌ નિહાળે છે.
વિક્રમ સંવત ૨૦૮૨નાં લાભ પાંચમ પર્વે એટલે આજે સત્તરમાં વર્ષે www.ishwariya.net પ્રવેશ કરે છે, તેનો હરખ છે.
જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યે દરેકને પ્રેમ અને લાગણી રહેલી છે, તે આનંદની વાત છે. આગેવાનો સાથે દાતાઓ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સખાવતો અને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
ગયા વર્ષે આપણું આસ્થા સ્થાન નીલકંઠ મહાદેવ મંદિર નવનિર્માણ થયું અને ધારણાથી વધુ ઉત્સાહ સાથે વંદના વિધિ કરી અને આ પ્રસંગ પણ ઐતિહાસિક રહ્યો. સાતમ આઠમ કે દિવાળીનાં પારિવારિક વાતાવરણનો જેવું શુભ માંગલિક આયોજનમાં સૌ બહેનો દીકરીઓ તેમજ દૂર સુદૂર વસતા ગ્રામજનો હરખભેર જોડાયાં.
સરકારી માધ્યમિક શાળા માટે દાતા અને કાર્યકર્તાઓ સાથે સરકારી તંત્રનું સંકલન રહેલું છે, જમીનની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે, તેનાં ઉપર સુંદર ભવન નિર્માણ થશે.
ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર વૃક્ષારોપણ થયું, તેના હજી વધુ આગળ વધવાનું છે, જેમાં દાતાઓ પણ રસ દાખવે છે, સૌએ તેમાં પણ સાથ આપવાનો છે.
સૌના સાથ, સૌના વિકાસ સાથે સંપ ત્યાં જંપ... એ મુજબ ગ્રામપંચાયત ચૂંટણી પણ સમરસ થઈ છે અને આ સૂત્રધારો અને આગેવાનો દ્વારા બાકી પૂરક વિકાસ કામોનો સંકલ્પ પણ હવે સિધ્ધ કરીશું.
કેટલાંક વાદ વિવાદો તો સ્વાભાવિક છે, જેની જે રીત, એ કર્યા કરે આપણે સૌનું હિત થાય તે કર્યા કરીશું...!
ગયા વર્ષે પ્રદેશ અને દેશની ખૂબ યાત્રા કરી, સામાજિક અને ધાર્મિક ઉપક્રમોમાં જોડાવાનો ભરપૂર લાભ મળ્યો, ઘણાં સંસ્થા સંગઠનમાં પણ સ્થાન મળ્યું છે, જેમાં આપ સૌની શુભકામના રહેલી છે... જો કે હવે ક્યાંક જોડાવું અને ક્યાંકથી મુક્ત થઈ જવું જોઈએ, આવા વિચાર પણ છે... આગળ જે સંજોગો થાય તે જોઈએ...અને...અને... જે થાય તે સારા માટે...!
નવા વિક્રમ સંવત વર્ષે સૌને શુભકામના સાથે ઈશ્વરિયા વિજાણું પટલ ઉપર જન્મદિવસ, અવસાન નોંધ તેમજ ગ્રામજનોના સરનામા સંપર્ક માટે વધુ ઉમેરણ શરૂ કરીશું એ વાત સાથે સહયોગ માટે સૌ ગ્રામજનો પાસે અપેક્ષા પણ છે, આ સાથે હૈયાથી ખૂબ ખૂબ આભાર...!
- મૂકેશકુમાર પંડિત
સંપાદક - સંચાલક
www.ishwariya.net
લાભ પંચમી
રવિવાર તા.૨૬-૧૦-૨૦૨૫
