image

રાત્રીસભા સણોસરા ગામ માટે ઉત્સવસભા

સરકારના આયોજન તળે મળેલી રાત્રીસભા
સણોસરા ગામ માટે બની વિકાસની ઉત્સવસભા
જિલ્લા સમાહર્તા શ્રી અને વિકાસ અધિકારી શ્રીની
ઉપસ્થિતિમાં પ્રશ્નો રજૂ પણ થયા અને ઉકલ્યા પણ ખરા
 
ઈશ્વરિયા મંગળવાર તા.૧૪-૨-૨૦૨૩
 
સરકારના આયોજન તળે સિહોર તાલુકાના સણોસરા ગામે મળેલી રાત્રીસભામાં ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે તંત્ર વાહકોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નો રજૂઆત થયેલ. સામૂહિક હિતના મોટાભાગના પ્રશ્નો અહીં જ ઉકલ્યાં જેથી આ રાત્રીસભા આ ગામ માટે વિકાસની ઉત્સવસભા બની છે.
 
ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી ધીરજ પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોવાની ઉપસ્થિતિમાં સરપંચ શ્રી હિરાભાઈ સાંબડના સંકલન સાથે સોમવારે સાંજે મળેલી રાત્રીસભામાં ગ્રામજનોએ સૌનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને સ્થાનિક સામૂહિક હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. 
 
અહીંયા પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા સાથે મામલતદાર શ્રી જોગસિંહ દરબાર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઝમીન દેસાઈ સાથે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના શ્રી હેમાબેન દવેના સંકલન સાથે વિવિધ યોજના માહિતી આપવા સાથે લાભાર્થીઓને સહાય તેમજ આધાર વગેરે અર્પણ કરવામાં આવેલ.
 
જિલ્લા સમાહર્તા શ્રી ધીરજ પારેખ દ્વારા ગ્રામપંચાયત અને ગામના સંકલનની પ્રશંસા કરી સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ તથા સભ્યો અને આગેવાનોને બિરદાવ્યા. તેઓએ અહી રજુ થયેલા પ્રશ્નો વ્યક્તિગત નહિ પણ સામૂહિક હોવાની નોંધ લઈ અહીંયા આંતરિક વિરોધ કે વાંધા જેવી બાબતો ન હોવા અંગે ખુશી વ્યક્ત કરી. 
 
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જિલોવાએ સરપંચ તથા તલાટીના સંકલન સાથે સરકારની વિવિધ યોજનાઓ માટે સૌને લાભ લેવા અનુરોધ કર્યો. મનરેગા યોજના અને સ્વચ્છતા માટે ખાસ ભાર મૂક્યો.
 
વર્ષોથી પડતર માંગ પૈકી અહી રમતગમત માટે મેદાનની જગ્યાની ફાળવણી, ગામ માટે પાણી પુરવઠાની વિશેષ યોજના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૪ કલાક સુવિધા, પશુ દવાખાનું, રસ્તાઓ વગેરે સંબંધી નિર્ણયો અથવા પ્રક્રિયા સવેળા લેવાતા ગ્રામજનોએ તંત્ર વાહકો પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો છે. આમ, પ્રશ્નો રજૂ પણ થયા અને ઉકલ્યા પણ ખરા. સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ દ્વારા જાહેરાત થઈ હતી કે, ટુંકમાં કેટલાક આધાર દાખલા ગ્રામજનોને વિનામૂલ્યે મળશે.
 
આ સભામાં લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેની ઉપસ્થિતિ રહી હતી. અહી અગ્રણી શ્રી ગોકુળભાઈ આલ તથા ગ્રામજનો દ્વારા મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી.
 
વહીવટી તંત્રના આયોજન સાથે આ સભામાં વિભાગીય પોલીસ વડા શ્રી મિહિર બારૈયા, પોલીસ ઉપ નિરીક્ષક શ્રી ધ્રાંગુ સાથે વિવિધ કચેરીઓના અધિકારી પ્રતિનિધિઓ સામેલ રહ્યા હતા. સભા સંચાલન સાથે શ્રી દર્શકભાઈ ધાંધલા દ્વારા પૂરક યોજનાકીય બાબતો રજૂ થઈ હતી. અહી તલાટી મંત્રી શ્રી જગદીશભાઈ ચાવડા સાથે ઉપસરપંચ શ્રી યુવરાજસિંહ ગોહિલ અને સભ્યો તથા કાર્યકર્તાઓનું સુંદર સંકલન રહ્યું હતું. અહીંની શાળાની બાળાઓ દ્વારા સ્વાગત અને અભિનય રજૂ થયેલ.