સણોસરા શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા તૈયારીઓ
લોકભારતી સણોસરામાં શ્રી મોરારિબાપુના
વ્યાસાસને યોજાનાર રામકથા માટે થતી તૈયારીઓ
નવા વર્ષે સણોસરા ગામ સાથે પૂરા પંથકમાં
કથા લાભ લેવા માટે ભારે ઉત્સાહ
ઈશ્વરિયા સોમવાર તા.૧૩-૧૧-૨૦૨૩
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને આગામી માસે યોજાનાર રામકથા માટે તૈયારીઓ થઈ રહી છે. નવા વર્ષે સણોસરા ગામ સાથે પૂરા પંથકમાં કથા લાભ લેવા માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ચાલતાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યોથી શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરેલ છે. આ સંસ્થામાં જ શરૂ થયેલ લોકભારતી વિશ્વવિદ્યાલયના ઉપક્રમથી શ્રી મોરારિબાપુએ રાજીપો વ્યક્ત કરી ઉમળકા સાથે આ કથા આયોજન થઈ રહ્યું છે. આમ લોકાભિમુખ કેળવણીનો સેતુયજ્ઞ યોજાઈ રહ્યો છે.
સણોસરામાં આગામી માસે શનિવાર તા.૩૦-૧૨-૨૦૨૩ થી રવિવાર તા.૭-૧-૨૦૨૪ દરમિયાન આ રામકથા માટે નિમિત્તમાત્ર મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ સાથે લોકભારતી પરિવાર દ્વારા આ આયોજન માટે ભાવ અને ઉત્સાહ સાથે સ્થાનિક બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.
લોકશિક્ષણ, લોકજીવન અને લોકસંસ્કૃતિ સાથે અધ્યાત્મ અને ધર્મનું સરળ નિરૂપણ શ્રી મોરારિબાપુ દ્વારા સમાજને મળી રહ્યું છે. આ લાભ ગોહિલવાડ માટે ગૌરવરૂપ લોકભારતી સણોસરા ખાતે મળનાર છે, જે માટે વિશાળ કથા મંડપ, રસોડું, વાહન વ્યવસ્થા વગેરે માટે પ્રારંભિક કામો અને બેઠકો ચાલી રહેલ છે.
સણોસરા ગામમાં ભાવિક શ્રોતાઓ માટે અન્ય વ્યવસાયિક આવાસ સુવિધા ન હોઈ દેશ વિદેશના કથા રસિકો ભાવનગર, સિહોર, પાલિતાણા તેમજ અન્યત્ર રોકાઈને પણ આ લાભ લેનાર છે. રાજકીય સામાજિક અગ્રણીઓ અને સરકારી તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. સણોસરા ગામ સાથે પૂરા પંથકમાં આ કથા લાભ માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.