પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાત વૈશ્વિક કક્ષાએ વિકસિત
કરવા ભાજપની નેમ - વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલન
ઈશ્વરિયા સોમવાર તા.૨૮-૧૧-૨૦૨૨
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજે પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરી આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાત વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાની વાત કરી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૈનતીર્થ પાલિતાણા સાથે ગોહિલવાડ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત પૂરા ગુજરાતના ધર્મ આસ્થા સ્થાનકોમાં થયેલા વિકાસ કાર્યોમાં ભાજપ સરકારની મનોભાવનાનો ઉલ્લેખ કરી ભાજપ દ્વારા સતત શરૂ રહેલા અને થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. તેઓએ પાલિતાણા અને ભાવનગર પંથકમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોની વૈશ્વિક સ્થિતિનો ગૌરવભેર ઉલ્લેખ કરી આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાત વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભારતીય જનતા પક્ષની નેમ હોવાનું જણાવ્યું. તેઓએ રાષ્ટ્રના ઈતિહાસમાં રજવાડાના વિલીનીકરણમાં ભાવનગરના શ્રી કૃષ્ણકુમારસિંહજીના યોગદાનનું સ્મરણ કર્યું.
શ્રી નરેન્દ્ર મોદીએ ખેતી, હીરા ઉદ્યોગ સાથે વિકાસના આયામોમાં ગુજરાતની સિદ્ધિને બિરદાવી વિકસિત અને સમૃદ્ધ ગુજરાત કરવા માટે વિધાનસભાની આ ચૂંટણી નિર્ણય માટેની હોઈ મતદારો પણ ભાજપ તરફી રહ્યાનો આશાવાદ વ્યક્ત કર્યો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ગુજરાત અને દેશમાં થયેલા કામોનો સહર્ષ ઉલ્લેખ કરી જ્યોતિગ્રામ, નર્મદાના નીર વગેરેની વાત કરી ભાજપ એટલે ભરોસાની સરકાર ગણાવી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયા, ભાજપ અગ્રણી શ્રી ધવલ દવે તથા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ પ્રાસંગિક ઉદબોધન કરેલ.
આ સંમેલનમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, સ્થાનિક ઉમેદવાર શ્રી ભિખાભાઈ બારૈયા તથા જિલ્લાના ઉમેદવારો અને ભાજપ સંગઠન અગ્રણીઓ જોડાયા હતા.
અહી લોકસાહિત્યકાર શ્રી કિર્તીદાન ગઢવી અને કલાકારોએ જમાવટ કરી હતી.