image

ગીરના નેસડામાં શિક્ષણ યજ્ઞ

ગીરના નેસડામાં આનંદધારા ચાંપરડા અંતર્ગત
એક પખવાડિયાનો ચાલતો શિક્ષણ યજ્ઞ
 
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરાના શિક્ષક તાલીમાર્થીઓ
માલધારી ભૂલકાઓને ભણાવી રહ્યા છે પાઠ
 
ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧-૨૦૨૩
 
 
શિક્ષણ માટે શહેરોની ઘેલછા સામે ચાંપરડા અને સણોસરાની સંસ્થાઓ દ્વારા વંદનીય કાર્ય થઈ રહ્યું છે, કે નિહાળવા કે જાણવા ગીરના નેસડામાં ચાલતા શિક્ષણ યજ્ઞને જોવો પડશે.
 
સણોસરાની સુપ્રસિદ્ધ સંસ્થા લોકભારતી અધ્યાપન મંદિરના ૧૪૪ શિક્ષક તાલીમાર્થીઓએ એક પખવાડિયા માટે ગીરમાં ધામા નાખ્યાં છે અને શિક્ષણ યજ્ઞ આદર્યો છે.
 
ચાંપરડા ખાતે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામવિકાસ સાથેની સેવાની ધૂણી ધખાવતા શ્રી મૂક્તાનંદબાપુની પ્રેરણાથી અને શિક્ષણવિદ્દ શ્રી નલીનભાઈ પંડિતના માર્ગદર્શન સાથે આનંદધારા અભિયાનનો ઘણાં વિસ્તારને લાભ મળી રહ્યો છે. આનંદધારા અંતર્ગત જ ગીરના નેસડાઓની શાળાઓમાં ગતતા.૧૬થી આગામી તા.૩૦ દરમિયાન લોકભારતી દ્વારા શિક્ષણ યજ્ઞમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ આહુતિ અર્પી રહ્યા છે. 
 
લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્ય શ્રી જગદીશગિરિ ગોસાઈ દ્વારા જણાવ્યા મૂજબ માત્ર પાઠ્યક્રમ નહિ, પણ આ ભૂલકાઓને ગામઠી રીતભાતને અનુકૂળ લેખન કે ગણનના શિક્ષણ સાથે ખજાના શોધ જેવી રમત ગમત, બાળમેળો, ગીતગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની મોજ પીરસતા પીરસતા જીવનની કેળવણી આપવાનો સ્તુત્ય ઉપક્રમ રહ્યો છે. આ સાથે જ તાલીમ લેતા અને આપતા લોકભારતીના વિદ્યાર્થીઓને પણ નેસડામાં રાતે ઠંડીના તાપણા સાથેના લોકજીવનની કેળવણી પણ પ્રાપ્ત થઈ રહી છે.
 
શિક્ષણ વિભાગ સાથે રહેલા શ્રી રમેશભાઈ ઉપાધ્યાય સહિત નિષ્ણાતો પણ સાથે રહી આ ઉપક્રમ સફળ અને મૂલ્યવાન ગણાવી રહ્યા છે.