image

લોકભારતી સણોસરામાં વ્યાખ્યાન 'દીપનિર્વાણ' રસાસ્વાદ

અસ્તિત્વ સાથે જોડાયેલા ઘટક પ્રેમ અંગે 'દર્શક' દ્વારા
નવલકથાઓમાં જુદા જુદા નિરીક્ષણો રહેલા છે
 
લોકભારતી સણોસરામાં વ્યાખ્યાનમાં
શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા 'દીપનિર્વાણ' રસાસ્વાદ 
 
ઈશ્વરિયા રવિવાર તા.૧૫-૧૦-૨૦૨૩
 
લોકભારતી સણોસરામાં 'ઓપિનિયન' પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળામાં સાહિત્ય સર્જક શ્રી મહેન્દ્રસિંહ પરમારે શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' લિખિત 'દીપનિર્વાણ' રસાસ્વાદ કરાવતા કહ્યું કે, અસ્તિત્વ સાથે જોડાયેલા ઘટક પ્રેમ અંગે 'દર્શક' દ્વારા નવલકથાઓમાં જુદા જુદા નિરીક્ષણો રહેલા છે.
 
સામયિક ' ઓપિનિયન' (યુ.કે.) દ્વારા પુરસ્કૃત શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં નવરાત્રિના પ્રારંભે યોજાતા અહી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ અને સાહિત્ય સર્જક શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા વ્યાખ્યાન રજૂ થયું. 
 
'દર્શક' લિખિત 'દીપનિર્વાણ' રસાસ્વાદ કરાવતા શ્રી મહેન્દ્રસિંહ પરમારે દર્શક જન્મદિવસ વંદના કરતા કહ્યું કે, 'દીપનિર્વાણ' દ્વારા મુક્તિ અને શકિતનો સંદેશો મળે છે. અસ્તિત્વ સાથે જોડાયેલા ઘટક પ્રેમ અંગે 'દર્શક' દ્વારા નવલકથાઓમાં જુદા જુદા નિરીક્ષણો રહેલા છે. પ્રેમમાં પડ્યા પછી સંન્યસ્ત સુધીનું તેમાં નિરૂપણ છે. કોમળ પ્રેમ સાથે જ પરાક્રમી સાહસની વાત છે. તેઓએ 'દીપનિર્વાણ' આધારિત ચિત્રપટ નિર્માણ થવું જોઈએ તેમ પણ ભાવ વ્યક્ત કર્યો.
 
'દર્શક'વ્યાખ્યાનમાળાના આ સાતમા વ્યાખ્યાન પ્રસંગે લોકભારતીના ઉપનિયામક શ્રી નીતિનભાઈ ભિંગરાડિયાએ આયોજન ભૂમિકા સાથે વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારને શિક્ષક, સર્જક, પ્રકૃતિપ્રેમી, નિજાનંદી અને લોકભારતીપ્રેમી ગણાવી પરિચય આપ્યો હતો.
 
શ્રી વિશાલભાઈ જોષીના સંચાલન સાથેના વ્યાખ્યાન પ્રારંભે સંગીતવૃંદ દ્વારા ગીતગાન રજૂ થયેલ. આભારવિધિ શ્રી રામચંદ્રભાઈ પંચોળીએ કરી હતી.
 
લોકભારતી સંસ્થા પરિવારના શ્રી અરુણભાઈ દવે, શ્રી હસમુખભાઈ દેવમૂરારિ, શ્રી રાજેન્દ્ર ખિમાણી, શ્રી વિશાલ ભાદાણી સહિત શિક્ષણ સાહિત્ય પ્રેમીઓ જોડાયા હતા.