શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી લાઠીમાં રામકથા
શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી લાઠીમાં રામકથા માટે ભારે ઉત્સાહ સાથે આયોજન
વિવિધ સાંસ્કૃતિક સામાજિક કાર્યક્રમ આયોજનો - શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની રહેશે પાવન ઉપસ્થિતિ - રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ નિમંત્રણ પાઠવાયા
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૨-૧૨-૨૦૨૨
આગામી શનિવારથી કલાપી નગરી લાઠી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ માટે ખૂબ ઉત્સાહ સાથે તૈયારી ચાલી રહી છે.
શંકર પરિવારના નિમિત્તમાત્ર યજમાન આયોજનમાં શનિવાર તા.૨૪થી રવિવાર તા.૧ દરમિયાન રામકથા સાથે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક ઉપક્રમો યોજનાર છે, જેમાં શ્રી ઘનશ્યામભાઈ શંકરે જણાવ્યા મુજબ રમેશભાઈ ઓઝા ભાઈની પાવન ઉપસ્થિતિ રહેનાર છે. આ કથા સાથે સામાજિક આયોજનોમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિવિધ ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓને નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અનુકૂળતા મુજબ જોડાનાર છે.
અહી સમૂહ લગ્ન, વૃક્ષ ફ્લછોડ વિતરણ, કૃષિ ગોસંવર્ધન અભિયાન, ગંગાસ્વરૂપ મહિલાઓને અનાજ સામગ્રી, નેત્રયજ્ઞ, રક્તદાન, આરોગ્ય શિબિર, વ્યસન મુક્તિ અભિયાન, પર્યાવરણ જાગૃતિ, સેવાકીય સંસ્થા સન્માન તેમજ વિવિધ અભ્યાસ તાલીમ વર્ગ લાભ મળનાર છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 'અકૂપાર' નાટક, લોક ડાયરો વગેરે રંગદર્શી આયોજનો રહેલા છે.
આ રામકથા સ્થાન પર હિમાલયની પ્રતિકૃતિ સાથે શિવજીની વિશાળ પ્રતિમા આકર્ષણરૂપ નિર્માણ કરાયેલ છે. ભાવિક શ્રોતાઓને કથા રસપાન માટે જરા પણ અગવડતા ન રહે તેમ આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવમધામ લાઠીમાં રામકથા ભવ્ય અને દિવ્ય બને તેમ ભારે ભાવ અને ઉત્સાહ સાથે આયોજન તૈયારીઓ થઈ છે. નિમિત્તમાત્ર યજમાન પરિવારના શ્રી દુલાભાઈ શંકર, શ્રી ઘનશ્યામભાઈ શંકર તથા શ્રી તુલસીભાઈ શંકર સાથે અહીંની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ છે અને ભાવિક શ્રોતાઓના પ્રસાદભોજન માટે સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે.