image

કૃષ્ણપરામાં વિકાસના કામ

ગ્રામજનોની હામ, દાતાઓનું દાન અને
સરકારના સાથ વડે કૃષ્ણપરામાં વિકાસના કામ
ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોની
સુખાકારી માટે સતત કામગીરી
 
ઈશ્વરિયા રવિવાર તા.૨૬-૨-૨૦૨૩
 
ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ કૃષ્ણપરા એક પછી એક વિકાસ કામ કરી રહેલ છે. ગ્રામજનોની હામ, દાતાઓનું દાન અને સરકારના સાથ વડે કૃષ્ણપરામાં વિકાસના વિવિધ કામ થઈ રહ્યા છે. ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે સતત કામગીરીમાં રહેતા સુંદર પરિણામ મળી રહ્યું છે.
 
ગોહિલવાડ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ નાનકડા અને સમરસ રહેલા ગામ કૃષ્ણપરાની વસતિ આશરે ૭૭૫ જેટલા લોકોની છે, અહી પોણા બસો કુટુંબો  ખેતી તથા હીરાઉદ્યોગ અને નાનામોટા વેપાર સાથે જોડાયેલા છે.
 
ભાવનગર જિલ્લાનું આ નાનકડું ગામ કૃષ્ણપરા રાજકીય કે જ્ઞાતિવાદના દુષણથી દૂર રહ્યું છે, જેથી સંપ સાથે વિકાસ કામો થઈ રહ્યાનું સરપંચ શ્રી હરિશંગભાઈ ગોહિલ જણાવી રહ્યા છે, ગામમાં સખાવતની જરૂર હોય કે ગ્રામપંચાયતના નિયત વેરાની બાબત હોય ગ્રામજનો આગળ જ રહ્યા છે. કૃષ્ણપરા ગામમાં વર્ષ ૨૦૨૧-૨૨ કરવેરા વસુલાત ૧૦૦ ટકા થતાં તાલુકા તંત્ર અંતર્ગત ખાસ પ્રોત્સાહક અનુદાન ૮૫,૩૮૦ રૂપિયા મળ્યા છે. તલાટી મંત્રી શ્રી જગદીશભાઈ ચાવડાએ વિગત આપતા ઉમેર્યું કે આ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૩ દરમિયાન પણ ૧૦૦ ટકા વસુલાત થવા જઈ રહી છે. આ કામગીરીમાં સરપંચ કે તલાટી મંત્રી જ નહિ,  ગ્રામપંચાયત સદસ્યો અને આગેવાનો પૂરતો સહયોગ આપી રહ્યા છે. ઉપસરપંચ શ્રી કાનજીભાઈ વાઘાણી તેમજ સાથી સભ્યો શ્રી દેવશીભાઈ મકવાણા, શ્રી મનસુખભાઈ ગોળકિયા, શ્રી  રણછોડભાઈ ભીંસરા સાથે કાર્યકર્તાઓ ખભેખભા મિલાવી રહ્યા છે.
 
સરપંચ શ્રી હરખ સાથે જણાવી રહ્યા છે કે, ગામના વિકાસ કામોમાં કે અન્ય આયોજન સહયોગમાં શ્રી દેવરાજભાઈ ગોટી સહિત અન્ય દાતાઓનું યોગદાન મોટું રહ્યું છે. વૃક્ષારોપણ, શાળામાં દાન, મુખ્ય પ્રવેશદ્વાર વગેરેમાં ઉદારતા સાથે સૌ આગળ આવતા રહ્યા છે. કૃષિ અને સહકારી બાબતોમાં ખેડૂતો દ્વારા સક્રિયતા સાથે કામગીરી થઈ રહી છે. સ્થાનિક દેવ સ્થાન અને આશ્રમ સાથે સંસ્કૃતિનું કાર્ય ગ્રામજનો કાર્યકરોના સંકલન વડે થઈ રહ્યું છે. 
 
ગામની શેરીઓ સ્વચ્છ છે, ગામમાં વૃક્ષારોપણ થયું છે. શાળામાં શિક્ષકોના સુંદર આયોજન સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલી રહી છે. આરોગ્ય તેમજ જનસુખાકારી માટે ગ્રામ પંચાયત મહિલા સભ્યો કુમારી આરતીબેન ગોહિલ, શ્રી લક્ષ્મીબેન ગુજરાતી, શ્રી કાંતુબેન ધામેલિયા સાથે શ્રી લીલાબેન ગોળકિયા જાગૃત રહ્યા છે. 
 
આમ, વસતિમાં નાનું પણ સમજણ અને વિકાસમાં વિશાળતા ધરાવતું ગામ કૃષ્ણપરા અન્ય ગામો માટે પ્રેરણાદાયી છે.