પાલિતાણા પાસેના હણોલ ગામમાં નૂતનવર્ષે વિકાસની હણહણાટી
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના વતનપ્રેમ માર્ગદર્શન સાથે
પાલિતાણા પાસેના હણોલ ગામમાં નૂતનવર્ષે વિકાસની હણહણાટી
ઔદ્યોગિક એકમોના સહયોગથી કરોડો રૂપિયાના થશે જનસુવિધા કામ
ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૧૦-૨૦૨૨
રાજકીય પદાધિકારીઓએ પોતાના વતન ગામ માટે નમૂનેદાર વિકાસ કામ કર્યું હોય તે બાબત અપવાદ છે, ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના વતનપ્રેમ માર્ગદર્શન સાથે હણોલ ગામ હવે વિકાસની હણહણાટી શરૂ કરી રહેલ છે.
પાલિતાણા તાલુકાનું હણોલ ગામ નૂતન વર્ષે કરોડો રૂપિયાના ભંડોળ સાથે વિકાસના નવા રૂપરંગ ધારણ કરી રહ્યું છે. અહી વિવિધ ઔદ્યોગિક એકમોના નિયત ભંડોળ સહયોગથી કરોડો રૂપિયાના જનસુવિધા કામ થશે.
હણોલ ગ્રામવિકાસ સમિતિના સંચાલન સંકલન સાથે અહીંયા આગામી બુધવાર તા.૨૬ના સવારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને અને દાતા એકમોના વડાઓના હસ્તે આ વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત શુભારંભ કાર્યક્રમ યોજાશે. આ સાથે દાતાઓનો સન્માન સમારોહ યોજાશે.
નૂતનવર્ષ સાથે હણોલમાં લગભગ ૧૮થી ૨૦ કરોડ રૂપિયાના સૂચિત આયોજન સાથે નૂતન કામોનો પ્રારંભ થશે જેમાં જળસંગ્રહ માટે નિર્માણ થયેલ અમૃત સરોવરના સૌંદર્ય આયોજન, સુંદર સુવિધાયુક્ત ગોંદરો અને પ્રવેશ દ્વારો, શ્રી નાગબાઈ માતાજી પરિસર સાથે વિશાળ સભાગૃહ, વ્યાપાર-વ્યવસાય સંકુલ સાથે વિશાળ સુવિધાયુક્ત રમત ગમત ક્રીડાંગણ વગેરે વિકાસ કાર્યોનો લાભ મળનાર છે. આ સાથે પૂરા હણોલ ગામને સ્વચ્છ અને સુંદર નમૂનેદાર બનાવવા ગ્રામપંચાયત, આગેવાનો અને ગ્રામજનો સૌ કોઈ ભેદભાવ મિટાવી હણોલ ગ્રામવિકાસ સમિતિ સાથે તડામાર તૈયારીમાં લાગી ગયા છે. આ ગામના વતનીઓ કે જેઓ બહારગામ ધંધા વ્યવસાયમાં છે, તે સૌ આ આયોજન અને સમારોહ માટે ભારે ઉત્સુક રહ્યા છે.
એક રાજકીય પદાધિકારી પોતાના સકારાત્મક રાજકારણ સાથે પોતાના વતન અને વિસ્તાર માટે કેવું કામ કરી શકે તે શ્રી મનસુખ માંડવિયા સમાજ અને દુનિયાને નિર્દેશ કરી રહ્યા છે. આ હણોલ ગામ માત્ર પાલિતાણા વિસ્તાર કે ભાવનગર જિલ્લા માટે નહિ પણ રાજ્ય માટે એકતા અને વિકાસ માટે વિશિષ્ટ સ્થાન પામશે તથા બીજા ગામોને પ્રેરક બનશે, જે માટે દાતાઓ સાથે સ્થાનિક આગેવાન કાર્યકરો અને ગ્રામજનો અભિનંદનને પાત્ર છે.!