image

ધોળા માલગાડી ખડી પડતાં વ્યવહાર ખોરવાયો

ધોળા પાસે માલગાડી ખડી પડતાં
રેલ તથા માર્ગ વ્યવહાર ખોરવાયો
બપોરે લગભગ ચાર વાગે સર્જાયેલી ઘટનાથી
ફાટક બંધ રહેતા વાહનોના ખડકલા થયા
 
ઈશ્વરિયા રવિવાર તા.૧૯-૨-૨૦૨૩
 
ભાવનગર રેલ મંડળ અંતર્ગત ધોળા રેલ મથક પર માલગાડી ખડી પડતાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાયો છે.
 
આજે બપોરે લગભગ ચાર વાગ્યાની ઘટના મુજબ પીપાવાવ સાથે જોડાયેલ માલગાડી પૈકી કેટલાક ડબા ધોળા રેલ મથક પર પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.
 
ભાવનગર રેલ મંડળ અંતર્ગત ભાવનગર, સુરેન્દ્રનગર તથા અમદાવાદ સાથે સંકળાયેલ આ રેલમાર્ગ પર ધોળા રેલ મથક પર માલ ગાડી ડબા ખડી પડતાં સર્જાયેલી આ ઘટનાથી બપોર બાદની અહીથી પસાર થતી રેલ સેવા ખોરવાઈ છે. જો કે રેલ તંત્ર દ્વારા સંબંધિત કાર્યવાહી હાથ ધરાઈ છે. દરમિયાન અહીથી પસાર થતી મુંબઈ, સુરત, અમદાવાદ, બોટાદ, અમરેલી તથા ઓખા તરફની ગાડીઓ ૨થી ૩ કલાક મોડી પડવા અંગે ભાવનગર રેલ મંડળ દ્વારા જાહેરાત કરાઈ છે.
 
ધોળા ખાતેના ફાટક પણ બંધ રહેતા અહીથી અમરેલી, અમદાવાદ તેમજ અન્યત્રનો માર્ગ વાહન વ્યવહાર અટવાયો છે, જ્યાં વાહનોના ખડકલા થયા છે.