લોકભારતી સણોસરા વ્યાખ્યાન સાથે સન્માન
૨૦મી સદીમાં સૌથી મોટી શોધ બાળ શિક્ષણની
હોવાનું 'દર્શક' કહેતાં હતાં - શિક્ષણવિદ્દ શ્રી મનસુખ સલ્લા
લોકભારતી સણોસરામાં વ્યાખ્યાન સાથે
પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાયેલ સન્માન
ઈશ્વરિયા મંગળવાર તા.૨૯-૮-૨૦૨૩
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળામાં કેળવણી કાર શ્રી મનસુખ સલ્લાએ જણાવ્યું કે, ૨૦મી સદીમાં સૌથી મોટી શોધ બાળ શિક્ષણની હોવાનું 'દર્શક' કહેતા હતા. અહી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાયેલ.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પ્રણેતા, કેળવણીકાર અને સાહિત્ય સર્જક, ચિંતક શ્રી મનુભાઈ પંચોળી દર્શક સ્મારક વ્યાખ્યાનમાળાના વીશમાં મણકાનું વ્યાખ્યાન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય, દર્શક સાહિત્યમાં પ્રમાણભૂત વક્તા અને કેળવણીકાર શ્રી મનસુખ સલ્લાએ આપતાં જણાવ્યું કે, ગાંધીજી અને નાનાભાઈ ભટ્ટનો ગુણાકાર એટલે 'દર્શક', તેઓ બૌદ્ધિક નહિ પણ પ્રતિભા હતા. સાહિત્ય, શિક્ષણ, રાજનીતિ, ઈતિહાસ, ગ્રામોત્થાન સહિતના ક્ષેત્રોમાં પ્રદાન આપતા રહ્યા.
' દર્શકનું કેળવણી દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' વિષય પરના આ વ્યાખ્યાનમાં શ્રી મનસુખ સલ્લાએ જણાવ્યું કે, ૨૦મી સદીમાં સૌથી મોટી શોધ બાળ શિક્ષણની હોવાનું 'દર્શક' કહેતા હતા. જો નવી શિક્ષણ નીતિ યથાર્થ લાગુ રહે તો ભારત ચોક્કસ બદલાવ લાવશે તેમ દ્રઢતા સાથે કહ્યું. આ સિવાય પણ આ નીતિમાં અનુભવ, કૃષિ વગેરે કૌશલ્યના કેટલાંક પાસાની ઉણપ પણ દર્શાવી.
કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર આપતી વેળાએ કરેલા ઉદ્બોધનમાં સામૂહિક ભાવના સાથે સંસ્થાની પ્રગતિનો ઉલ્લેખ કર્યો અને સફળતા માટે નિપુણતા, નિષ્ઠા, ભરોસો વગેરે અનિવાર્ય ગણાવ્યાં. તેઓએ નવી શિક્ષણનીતિ એ લોકભારતીના પૂર્વસુરીઓની હોવાનું અને સરકારે આજે સ્વીકાર્યા અંગે રાજીપો વ્યક્ત કર્યો.
સંસ્થાના ઉપનિયામક શ્રી નીતિન ભિંગરાડિયાએ વક્તા શ્રી મનસુખ સલ્લાનો પરિચય રજૂ કર્યો હતો.
લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિના સંકલન સાથે પૂર્વ વિદ્યાર્થીઓનું તિલક, ચાદર, સન્માન પત્ર અને ધન રાશિ સાથે સન્માન કરવામાં આવ્યું, જેમાં શ્રી અતુલભાઈ પંડ્યા (પર્યાવરણ અને ગાંધી વિચાર - પ્રચાર), શ્રી બિંદુબેન અને પાર્થેશભાઈ પંડ્યા ( શિક્ષણ અને ગ્રામવિકાસ) તથા શ્રી રવજીભાઈ ગાબાણી (સરકારી વહીવટ) સમાવિષ્ટ રહ્યા.
કાર્યક્રમ સંચાલનમાં શ્રી પૂજાબેન પુરોહિત રહ્યા. અહી સંગીતવૃંદ દ્વારા સુંદર ગીતગાન રજૂ થયેલ. આભારવિધિ શ્રી રામચંદ્રભાઈ પંચોળી સંભાળી હતી.
વ્યાખ્યાન અને સન્માન કાર્યક્રમમાં શિક્ષણ અને સમાજ ક્ષેત્રના અગ્રણીઓ શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી નાનુભાઈ વાઘાણી, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી મેહુરભાઈ લવતુકા, શ્રી જીજીભાઈ ચૌહાણ, શ્રી હીરજીભાઈ ભિંગરાડિયા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા.