સણોસરા દાનેવ આશ્રમ શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી
શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ટકોર
સણોસરા દાનેવ આશ્રમમાં મહંત શ્રી નીરુબાપુનું
થયું સન્માન અભિવાદન
ઈશ્વરિયા બુધવાર તા.૮-૧૧-૨૦૨૩
શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં યોજાયેલ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા ટકોર કરી ગુરુ મહિમા વર્ણવ્યો. અહી મહંત શ્રી નીરૂબાપુના સંકલ્પ માટે સન્માન અભિવાદન થયું.
દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગુરુ મહિમા અને શાસ્ત્ર સાથે સનાતન ધર્મના મૂળ તત્ત્વનું સરળ નિરૂપણ કર્યું અમે શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા ભાર પૂર્વક ટકોર કરી.
શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે હળવા રોષ સાથે કહ્યું કે, જેઓ આપણાં ભાષ્ય જાણતાં નથી તેવા તેનો અર્થ કરવાં નીકળી પડ્યા છે અને મૂળ શાસ્ત્રો અને ગ્રંથોમાં ચેડા કરી રહ્યા છે, આ માટે સૌએ જાગૃતિ રાખવી પડશે. શિક્ષણમાં પણ ધર્મજ્ઞાન માટે હિમાયત કરી.
ગુરુને મનુષ્ય માનશો તો અંધશ્રદ્ધા ઊભી થઈ શકશે, તેના માનવીય આચરણ કરતાં પણ તેનાં તત્ત્વને અને તેમાં રહેલા ઈશ્વરને ઓળખવા જોઈએ. શ્રી નીરૂબાપુ દ્વારા આશ્રમ બહાર ન નીકળવા થયેલ સંકલ્પ સાધના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી જ્યારે આ સંકલ્પ મુજબ ૧૨ વર્ષ પૂરા થાય અહીથી દ્વારકા દર્શન યાત્રા માટે ભાવપૂર્ણ આમંત્રણ આપ્યું.
ગોહિલવાડના સ્થાનક શ્રી દાનેવ આશ્રમમાં ધર્મસભામાં મહંત શ્રી નીરુબાપુ દ્વારા ચાલતી સંકલ્પ સાધનાથી ધર્માચાર્યો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા વિશેષ સન્માન અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી નીરૂબાપુએ ગુરુ શ્રી વલકુબાપુ અને પરંપરા આશિષ અને સૌના સદભાવથી આનંદ વ્યક્ત કરતાં આભારવિધિ કરી હતી.
જાણીતા વક્તા શ્રી રામેશ્વરદાસજી દ્વારા સંચાલન વેળાએ જણાવ્યું કે, સનાતન પરંપરામાં અહીંના તપ સાધનાના કારણે જ જગતગુરુ શ્રી શંકરાચાર્યજી સ્થાપિત શારદાપીઠના વર્તમાન શંકરાચાર્યજી આજે અહીંયા છે, જેથી આ આશ્રમ માત્ર નહિ પણ હવે ધામ બન્યું છે.
આ પ્રસંગે શ્રી ઝીણારામજી મહારાજ તથા શ્રી લલિતકિશોરદાસજી મહારાજે સનાતન ધર્મના આ પર્વે પ્રસન્નતા વ્યક્ત કરી. અહી શ્રી રવુબાપુ, શ્રી જેરામદાસજી મહારાજ, શ્રી ઈન્દુમાતાજી સહિત ધાર્મિક અગ્રણીઓ દ્વારા અભિવાદન સન્માન થયું હતું.
આશ્રમના લઘુમહંત શ્રી પ્રવીણબાપુ સાથે સેવક પરિવાર દ્વારા સુંદર સંકલન સાથે ધર્મસભા અને સન્માન અભિવાદન કાર્યક્રમ સૌએ માણ્યો હતો.