image

ભાવનગરમાં રામકથામાં યજમાન દંપતિ લગ્નતિથિ

કેવટ પાસે નૌકા માગી ભગવાને સાબિત કર્યું કે,
કોઈ તુચ્છ નથી - શ્રી મોરારિબાપુ
ભાવનગરમાં રામકથામાં યજમાન દંપતિ લગ્નતિથિ મનાવાઈ
સનાતન ધર્મ વર્ગો માટે થઈ જાહેરાત
 
ભાવનગર બુધવાર તા.૭-૧૨-૨૦૨૨
 
સંસારમાં કોઈ નાનું કે મોટું નથી. કેવટ પાસે નૌકા માગી ભગવાને સાબિત કર્યું કે, કોઈ તુચ્છ નથી. આ પ્રસંગ વર્ણન શ્રી મોરારિબાપુએ આજે ભાવનગરમાં ચાલતી 'માનસ કેવટ' રામકથામાં કર્યું.
 
ભાવનગરમાં જવાહર મેદાન 'મારુતિ ધામ' ખાતે ચાલતી રામકથામાં કેવટ પ્રસંગ વર્ણન કરતા શ્રી મોરારિબાપુએ ભગવાન માટે કોઈ નાનું મોટું નથી, તેના માટે સૌ સમાન હોય છે. સંસારમાં કોઈ નાનું કે મોટું નથી. કેવટ પાસે નૌકા માગી ભગવાને સાબિત કર્યું કે, કોઈ તુચ્છ નથી. ભગવાનની કૃપા માટે સ્વચ્છ, સ્વસ્થ અને સ્વવશ હોવું જરૂરી છે, જે તમામ ગુણ લક્ષણ કેવટમાં રહેલા છે, જેથી જ શ્રી રામજી પોતે અહી આવી નૌકા માટે વિનવણી કરી રહ્યા છે.
 
માનસની કથા સત્ય છે, પરમ પ્રેમ છે અને કરુણાથી ભરેલ છે, અહી એક એક પ્રસંગમાં વિવિધ રસ મળે છે. આ સાથે રામ, જાનકી અને લક્ષ્મણ વનવાસ ગમન, સુમંત સંવાદ અને શૃંગબેરપુર કથા વર્ણન થયું.
 
રામકથામાં ટકોર પણ થઈ કે, અમુક હોદ્દા સત્તા ઉંમર થાય એટલે યોગ્ય હોય તેને સોંપી દેવી, નહીતો તે પદ કોઈ આંચકી પણ લેશે.
 
આજે રામકથા નિમિત્તમાત્ર યજમાન રહેલ શ્રી જયંતભાઈ વનાણી અને શ્રી દેવીબેન વનાણીના લગ્નતિથિ પ્રસંગ સંદર્ભે શ્રી મોરારિબાપુએ માનસનો વ્યાપ અસીમિત હોવાનું જણાવી પ્રેમના વિવિધ પ્રકારો વર્ણવી આ દંપતી પ્રત્યે શુભભાવના વ્યક્ત કરેલ. શ્રી જયંતભાઈ વનાણી બુધા પટેલે પોતાની લાગણી સભર વાતમાં કહ્યું કે મારા લગ્ન સમયે મારા પિતાશ્રી હયાત ન હતા પણ આજે લગ્નતિથિમાં મારા બાપ શ્રી મોરારિબાપુ સાથે છે, તેનો ખૂબ રાજીપો છે. તેઓએ આ પ્રસંગે ભાવનગરમાં સનાતન ધર્મ હેતુ વૈદિક પાઠ માટે વર્ગો ચાલુ કરવા જાહેરાત કરી છે.
 
'માનસ કેવટ' રામકથા પ્રારંભમાં ધરમગાન અને સંચાલન કરતા શ્રી નેહલ ગઢવીએ પ્રાસંગિક વાતમાં અહી મળી રહેલા દાનનો ઉલ્લેખ કર્યો.
 
રામકથામાં સંતો, મહંતો, કથાકારો અને મહાનુભાવો જોડાઈ રહ્યા છે. બારડોલી આશ્રમના શ્રી નિરંજનાબા, શ્રી કલ્યાણીબહેન, શ્રી ધનંજયભાઈ વ્યાસ, શ્રી ભાવેશભાઈ રાવલ, શ્રી પંકજભાઈ જોષી, શ્રી સિતારામ બાપુ, શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી, શ્રી વિનોદભાઈ જોષી, શ્રી ભારતીબેન વ્યાસ, શ્રી સુભાષભાઈ ભટ્ટ સહિત વિવિધ ક્ષેત્રના ભાવુકો કથામાં જોડાયા.
 
'રામકથા' પ્રકાશન વિમોચન
 
શ્રી મોરારિબાપુના વ્યાસાસને વિવિધ સ્થાનો યોજાતી રામકથા સંદર્ભે કથા લેખન સંપાદન થાય છે.
 
અગાઉ વ્રજ ચોરાસી ખાતે 'માનસ પરિક્રમા' અને સુરત ખાતે 'માનસ શહીદ' એમ બે કથાઓના સંકલન 'રામકથા'  પ્રકાશનનું આજે ભાવનગર ખાતે શ્રી મોરારિબાપુએ વિમોચન કર્યું, જેમાં સંપાદક શ્રી નીતિન વડગામા સાથે શ્રી નિલેશ વાવડિયા જોડાયા. 
 
સંપાદક શ્રી નીતિન વડગામાએ જણાવ્યાં મુજબ આ પ્રકાશનોમાં અનુક્રમે પરિક્રમા પ્રસંગે તાત્વિક સાત્વિક દર્શન અને શહીદ શબ્દના વ્યાપક અર્થમાં સંદેશા વિશે જણાવ્યું અને કહ્યું કે વ્યાસપીઠ માત્ર વચનાત્મક નહિ, રચનાત્મક રહેલ છે. આ પ્રકાશનો વેચવા માટે નહિ પણ વહેંચવા માટે હોવાનું ઉમેર્યું.