image

ભાવનગરમાં રામકથા રાજવી પરિવારને અર્પણ

માનસનો સાર છે, રામ નામનું સ્મરણ,
શ્રવણ અને ગાયન - શ્રી મોરારિબાપુ
ભાવનગરમાં રામકથા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી રાજવી પરિવારને અર્પણ
 
ભાવનગર રવિવાર તા.૧૧-૧૨-૨૦૨૨
 
ભાવનગરમાં યોજાયેલ 'માનસ કેવટ' રામકથાનો આજે વિરામ થયો, આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ માનસનો સાર છે, રામ નામનું સ્મરણ, શ્રવણ અને ગાયન એમ જણાવ્યું. આ રામકથા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી રાજવી પરિવારને અર્પણ કરી.
 
શ્રી નાનાલાલ ભવાનભાઈ વનાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ભાવેણાના આંગણે જવાહર મેદાનમાં 'મારૂતિધામ' ખાતે રામકથા વિરામ સાથે શ્રી મોરારિબાપુએ સાર રૂપ વાત કરતા જણાવ્યું કે, તુલસીદાસજીએ રામ ચરિત માનસમાં દર્શાવ્યા મુજબ માનસનો સાર છે, રામ નામનું સ્મરણ એટલે સત્ય, રામ નામનું શ્રવણ એટલે પ્રેમ  અને રામ નામનું ગાયન એટલે કરુણા. 
 
'માનસ કેવટ' રામકથામાં કેન્દ્ર સ્થાને રાખેલ ચોપાઈ 'કેવટ બુધ બિદ્યા બડ઼િ નાવા, સકહિં ન ખેઇ ઐક નહિં આવા.' ગાન સાથે કેવટના વિવિધ સ્વરૂપો તેમજ વિવિધ પાત્રોમાં નિષ્પન્ન થયેલ કેવટાઈ ગુણ સાથે ભક્તિ તત્ત્વની છણાવટ થઈ.
 
સૃષ્ટી જોવાના ત્રણ દ્ષ્ટિકોણ ભોગાત્મક, કાવ્યાત્મક અને ઈશ્વરાત્મક, જેમાં ચોથો પ્રેમાત્મક દ્ષ્ટિકોણ એ કેવટ દ્વારા મળે છે. 
 
ભારપૂર્વક સંદેશો આપતા કહ્યું કે માટે કથા સાંભળવાથી વૈકુંઠ નહિ, પહોંચાય, તેને ચરિતાર્થ કરવી પડશે, યુવા વર્ગને અનુરોધ કર્યો કે, કથા સાંભળીને પોતાની પાંખોથી ઉડજો.!
 
વ્યાસપીઠ પરથી ભાવનગર રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી તેમજ તત્કાલીન અને વર્તમાન રાજવી પરિવારના સંબંધને બિરદાવી આ કથા તેમને અર્પણ કરી.
 
શ્રી મોરારિબાપુએ કથા વિરામ સાથે કહ્યું કે, કથા કોઈ ફળ માટે ન હોવી જોઈએ, સ્વાંત સુખાય કથા હોય છે, પરંતુ ભાવનગરની આ કથામાંથી સ્થાનિક સેવાભાવી સંસ્થાઓને પ્રસાદ રૂપે કશુંક અર્પણ કરવાનો હેતુ રહ્યો છે.
 
કથા વિરામ પ્રસંગે નિમિત્તમાત્ર યજમાન શ્રી જયંતભાઈ વનાણી બુધા પટેલ દ્વારા પોતાના માતા પિતા અને વડીલોના સ્મરણ સાથે આ કથાની સફળતા માટે સૌ સહયોગીઓની હૂંફને બિરદાવી.
 
કવિ શ્રી વિનોદ જોષીએ તેમના પ્રસંગ ઉદબોધનમાં શ્રી જયંતભાઈ વનાણીના આયોજન અને ભાવની પ્રશંસા કરી સ્વીકાર અને ભાવાંતર અંગે જણાવી ભાવ ભર્યા ભાવનગર સાથે શ્રી મોરારિબાપુ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.
 
શ્રી નેહલ ગઢવી દ્વારા પ્રારંભિક સંચાલન સાથે પણ આ કથા ઉપક્રમ કાયમી પ્રેરણા આપશે તેમ ભાવ વ્યક્ત કર્યો. અહી રાજવી પરિવાર સાથે શ્રી કલ્યાણીબહેન, શ્રી જયશ્રી માતાજી, શ્રી સેજલબેન પંડ્યા, શ્રી રાજીવ પંડ્યા, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી ભારતીબેન વ્યાસ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ભાવુકો દ્વારા કથા લાભ લેવાયો. અહીં શ્રી ખોડિયાર ખંડ, શ્રી ચામુંડાખંડ તેમજ સંતો, પત્રકારો સાથે યજમાન અને મહેમાન વગેરે બેઠક વ્યવસ્થામાં સ્વયમ સેવક કાર્યકર્તાઓ દ્વારા સુંદર આયોજન રહ્યું.
 
ત્રણ વર્ષ બાદ ફરી ભાવનગરમાં રામકથા પાક્કી...
 
ભાવનગરમાં આજે રામકથા વિરામ સાથે યજમાન શ્રી જયંતભાઈ વનાણી દ્વારા વધુ એક કથા ત્રણ વર્ષ બાદ આપવા ભાવ અધિકાર સાથે શ્રી મોરારિબાપુ પાસે માંગ કરી. આ સાથે જ આ પરિવારની એક નાનકડી ઢીંગલી કુમારી કામાક્ષી ધાર્મિકભાઈ વનાણી વ્યાસપીઠ પાસે પહોંચી શ્રી મોરારિબાપુને 'હવે પાછા ક્યારે આવશો..?' આમ પૂછતા શ્રી મોરારિબાપુએ પણ ભાવનગરમાં ત્રણ વર્ષ પછી કથા લગભગ (એટલે નક્કી જ) પાક્કી એમ જણાવ્યું, ત્યારે કથા મંડપમાં તાળીઓના ગડગડાટ સાથે સૌએ રાજીપો વ્યક્ત કર્યો...!