image

ભાવનગર રામકથામાં સંતો મહાનુભાવો

સનાતન ધર્મ એ ગંગાનો પ્રવાહ છે,
પંથ સંપ્રદાય એ કિનારાના વાડોલિયા - શ્રી મોરારિબાપુ
ભાવનગરમાં રામકથામાં સંતો મહાનુભાવો જોડાયા
 
ભાવનગર મંગળવાર તા.૬-૧૨-૨૦૨૨
 
ભાવનગરમાં ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ સનાતન ધર્મ એ ગંગાનો પ્રવાહ છે અને પંથ સંપ્રદાય એ કિનારાના વાડોલિયા છે, તેમ જણાવી અંગધ હનુમાનજી સંવાદ વર્ણન કર્યું.
 
ભાવનગરમાં જવાહર મેદાનમાં 'મારુતિ ધામ'  ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી 'માનસ કેવટ' રામકથામાં ગઈકાલે શરૂ થયેલ અંગધ હનુમાનજી સંવાદ આલેખન આગળ વધારતા વિવિધ પાત્રોની કેવટ ભૂમિકા સાથે ભૌતિક કાયા, સંસ્કાર કાયા, વિવેક કાયા, બુદ્ધિ કાયા તથા ચિત્ત કાયા અને વિસ્તૃત નિરૂપણ થયું. 
 
કથાના ચોથા દિવસે નિમિત્તમાત્ર યજમાન રહેલ શ્રી જયંતભાઈ વનાણી બુધા પટેલના પ્રારંભિક સંબોધનમાં સનાતન ધર્મની પોતાની આસ્થા અને સંવર્ધનમાં રહેલી રુચિના ઉલ્લેખ સંદર્ભે શ્રી મોરારિબાપુએ સનાતન ધર્મ અને જગદગુરુ શંકરાચાર્યજીનો ઉલ્લેખ કરી કહ્યું કે, સનાતન ધર્મ એ ગંગાનો પ્રવાહ છે અને પંથ સંપ્રદાય એ કિનારાના વાડોલિયા છે, મૂળ ધર્મ એ તો સનાતન છે. આમ છતાં, આવા વાડા પણ વંદનીય છે. જો કે, સંકુચિત ધર્મ સંપ્રદાય વાદ સામે તેઓનો હળવો રોષ પણ ચહેરા પર જણાયો. અંધશ્રદ્ધા પરચામાં લઈ જાય, શ્રદ્ધા પરમનો પરિચય કરાવે છે.
 
કેવટ પાત્ર આલેખતા શ્રી મોરારિબાપુએ ઉમેર્યું કે, સદગુરુ પણ અનેક રૂપે 'કેવટાઈ' કરીને આપણો બેડલો પાર કરાવે છે, પણ તેમાં આપણી શરણાગતિ જોઈએ. શાસ્ત્રો આપણને વશ ન થાય, આપણે શાસ્ત્રોને વશ થવાનું હોય છે. પ્રસન્નતા વિશે શીખ આપતા આદિ શંકરાચાર્યજીના ઉલ્લેખ સાથે કહ્યું કે, અંતઃકરણથી જે પ્રસન્ન હોય તે ક્યારેય કશું ખોટું ન જ કરે.
 
કવિ શ્રી વિનોદ જોષીની 'કૂંચી આપો બાઈજી' રચના રસાસ્વાદ આધ્યાત્મિક અર્થ સાથે રજૂ કરાયો.
 
શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર યજમાન રહી યોજાયેલ આ કથામાં આજે શ્રી સ્વરૂપાનંદજી સ્વામી, શ્રી ઝીણારામજી મહારાજ, શ્રી ગરીબરામજી મહારાજ, શ્રી રમજુબાપુ સહિત ઘણાં ધાર્મિક મહાનુભાવો સાથે શ્રી માયાભાઈ આહીર, શ્રી શૈલેષભાઈ પંડિત, અગ્રણીઓ શ્રી રમણીકભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ગીરીશભાઈ શાહ, શ્રી મેહુરભાઈ લવતુકા, શ્રી રમેશભાઈ મેંદપરા વગેરેએ લાભ લીધો હતો. 
 
આ પ્રસંગે શ્રી નેહલ ગઢવીના પ્રારંભિક સંચાલન સાથે જાણિતા હાસ્યકાર શ્રી જગદીશ ત્રિવેદીએ ટુંકમાં વાત કરવા સાથે આ કથા પ્રસંગે સામાજિક સંસ્થાઓની સહાય અર્થે રૂપિયા પાંચ લાખ જાહેર કર્યા હતા.
 
કથાવિશ્વ સાથે ગીત સંગીત દુનિયા
 
શ્રી મોરારિબાપુની રામકથાના રામ ચરિત માનસ સાથે સમાજ અને સંસારની રામાયણ સાથે સત્સંગ લાભ મળે છે, આ કથા વિશ્વ સાથે ચોપાઈ, ભજન રચના ગાન અને સંગીત વિશેષ આકર્ષણ છે.
 
રામકથામાં શ્રી મોરારિબાપુ દ્વારા થતાં કથા વર્ણન દરમિયાન સહેજ વારમાં સાથેનું સંગીત વૃંદ આગળનું ગીતગાન ઉપાડી લે છે.
 
સા રે ગ મ પ ધ ની સા... સૂર સાથે ગાન માટે જાણિતા ઉદ્ઘોષક સાહિત્યકાર શ્રી હરિશ્ચંદ્ર જોષી સાથે સંગીતકારો શ્રી રમેશ ચંદારાણા, શ્રી પંકજ ભટ્ટ, શ્રી હિતેશ ગોસાઈ, શ્રી કીર્તિ લીંબાણી શ્રી ગજાનન સાળુંકે તથા શ્રી દિલાવર સમા... આ બધાં જ એક બીજાના પૂરક બની સંગીત સાથે ગાયન માટે પણ સુંદર સંયોજન રજૂ કરી રહ્યા છે.
 
કથામાં 'સંગીતની દુનિયા' પરિવાર દ્વારા પણ ધ્વનિ અને પ્રસારણ માટે સેવા મળી રહી છે, જેમાં સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈ વાવડિયાનું યોગદાન રહ્યું છે, જે જવાબદારીમાં હાલ સાથી સંયોજકો રહ્યા છે.