ભાવનગરમાં 'માનસ કેવટ' રામકથામાં રામ જન્મોત્સવ
વસુંધરાવંશજ તરીકે માનવસેવા માટે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ,
પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ તથા મનુષ્યયજ્ઞ એ આપણું કર્તવ્ય
ભાવનગરમાં 'માનસ કેવટ' રામકથામાં રામ જન્મોત્સવ વર્ણન કરતાં શ્રી મોરારિબાપુ
ભાવનગર શુક્રવાર તા.૯-૧૨-૨૦૨૨
ભાવનગરમાં 'મારુતિધામ' ખાતે 'માનસ કેવટ' રામકથામાં શ્રી મોરારિબાપુએ આજે રામ જન્મોત્સવ વર્ણન કરતાં વસુંધરાવંશજ તરીકે માનવસેવા માટે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ તથા મનુષ્યયજ્ઞ એ આપણું કર્તવ્ય હોવાનું જણાવ્યું.
શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન દ્વારા શ્રી રામકથાનું રસપાન શ્રી મોરારિબાપુ કરાવી રહ્યા છે.
આજે 'માનસ કેવટ' રામકથામાં આપણે સૂર્યવંશી કે ચંદ્રવંશી? એ પ્રશ્ન સંદર્ભે શ્રી મોરારિબાપુએ કહ્યું કે આપણે વિશેષ તો આ ધરતીના સંતાન વંશજ છીએ, વસુંધરાવંશજ તરીકે માનવસેવા માટે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ તથા મનુષ્યયજ્ઞ એ આપણું કર્તવ્ય હોવાનું જણાવ્યું. આ સાથે જ આ યજ્ઞ દ્વારા સમાજ જીવન જીવવાના પાઠ સમજાવ્યા. ભારતનું દર્શન તો પૂરી વસુધા એક પરિવારની વિભાવના આપે છે.
આજે કથામાં રામજન્મોત્સવ પ્રસંગ વર્ણન કરાયું હતું. આ વેળાએ ચોપાઈગાન ઉપરાંત શ્રી મોરારિબાપુએ સંતાન તરીકે રામને જન્માવવા માટે પતિ પત્ની વચ્ચેના સંસ્કારી સુમેળ આવશ્યક ગણાવેલ. રામ અવતરે કે નહિ, રામ જેવા સંતાન તો જ જનમ લેશે.
શ્રી મોરારિબાપુએ વિનમ્રભાવે કહ્યું કે, અહીંયા આદેશ કે ઉપદેશ નહિ કેવળ સંદેશ અપાઈ રહ્યો છે.
કથામાં અલગ અલગ દૃષ્ટાંત સંદેશા સાથે ગાયનો મહિમા રજૂ થયો, યુવાનોને પણ રાષ્ટ્રીયતા અને સમાજના આદર્શ માટે સક્રિય રહેવા શીખ અપાઈ.
જાણિયા વક્તા શ્રી નેહલ ગઢવી દ્વારા સંચાલન સાથે પ્રારંભે શ્રી જયંતભાઈ વનાણીએ પોતાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓનો ઉલ્લેખ કરી તન, મન અને ધનથી સેવા કાર્યની અભિલાષા વ્યક્ત કરી.
આજે 'મારુતિ ધામ' ખાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોમાં શ્રી ભારતીબેન શિયાળ તથા શ્રી જીતુભાઈ વાઘાણીનું વ્યાસપીઠ પર અભિવાદન થયું. શ્રી વિશ્વાનંદ માતાજી સાથે શ્રી તુષાર શુક્લ, શ્રી જય વસાવડા, શ્રી મેરાણભાઈ ગઢવી, શ્રી વિનોદ જોષી, શ્રી નીતિનભાઈ વડગામા, શ્રી સુભાષભાઈ ભટ્ટ, શ્રી હરુભાઈ ગોંડલિયા, શ્રી જીવરાજભાઈ પટેલ સાથે સંતો, ઉદ્યોગપતિ, અગ્રણીઓએ લાભ લીધો.
ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ શુભાશિષ મેળવ્યા
ભાવનગરના લોકપ્રિય રહેલા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે જવાહર મેદાનમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં લાભ લીધો હતો. અહી શ્રી મોરારિબાપુના શુભાશિષ મેળવ્યા હતા. શ્રી જયંતભાઈ વનાણીએ તેમને આવકાર્યા હતા.