ભાવનગરમાં રામકથામાં શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી
ઈશ્વર તત્વને ઓળખવા કેવટ અને
છેવટની દ્દષ્ટિ જોઈએ - શ્રી મોરારિબાપુ
ભાવનગરમાં રામકથામાં શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની ઉપસ્થિતિ
ભાવનગર ગુરુવાર તા.૮-૧૨-૨૦૨૨
ભાવનગરમાં 'મારુતિ ધામ' ખાતે 'માનસ કેવટ' રામકથામાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્વને ઓળખવા કેવટ અને છેવટની દ્દષ્ટિ જોઈએ તેમ સમજાવ્યું. આજે શ્રી રમેશભાઈ ઓઝા ભાઈ શ્રીની ઉપસ્થિતિ રહી હતી.
શ્રી મોરારિબાપુ રામ ચરિત માનસ કથાની 'કેવટ બુધ બિદ્યા બડ઼િ નાવા, સકહિં ન ખેઇ ઐક નહિં આવા.' આ ચોપાઈને કેન્દ્ર સ્થાને રાખી કથા ગાન કરાવી રહ્યા છે, જેમાં વિવિધ કેવટ સ્વરૂપોની ઓળખ કરાવી રહ્યા છે.
આજની કથામાં કેવટ અને રામ નૌકા પાર પ્રસંગ સાથે શ્રી મોરારિબાપુએ સમજાવ્યું કે, ઈશ્વર તત્વને ઓળખવા કેવટ અને છેવટની દ્દષ્ટિ જોઈએ. કોઈ પણ કપડામાં સંન્યાસી હોઈ શકે, બાકી તો કલેજા એટલે હૈયાથી નહિ પણ કપડાંએ સંન્યાસ લીધો હોય તેવું થાય, તેમ જણાવી ધર્મના નામે ચોક્કસ ગણવેશ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો.
માની લો તે આસ્થા અને જાણી લો તે અવસ્થા છે. હું પણ કંઈ બધું જાણું છું, તેવું નથી, હું પણ સંસારી જ છું, પરંતુ ગુરુકૃપાએ જે કંઈ મળે છે, તે રજૂ કરું છું, તેમ સહજ રીતે શ્રી મોરારિબાપુએ વાત કરી દીધી. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી દાદાને સ્મરણમાં લાવી કહ્યું કે, અવિચારી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ સારું નથી, બંનેમાં પૂરતું વિચારવું જરૂરી છે. આજે શ્રી મુનીમહારાજ સાથે ભાવનગરના દિવંગત મહાનુભાવો અને મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની યાદ અને તેઓ દ્વારા ઊભી થયેલી સેવા સંસ્થાઓનો ઉલ્લેખ વ્યાસપીઠ પરથી થયો.
શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન સાથેની આ રામકથામાં આજે જાણિતા ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈ શ્રીની ઉપસ્થિતિ રહી હતી અને કથા શ્રવણ લાભ લીધો હતો.
શ્રી નેહલ ગઢવીના પ્રારંભિક સંચાલન સાથે શ્રી જયંતભાઈ વનાણી તથા શ્રી પ્રાચી વનાણીએ વિશ્વંભરી સ્તુતિ ગાન કરેલ. આ ઉપરાંત ભજનિક કલાકારો દ્વારા શરૂઆતમાં ભજન રસ પીરસાયો હતો.
કથામાં શ્રી નાનુભાઈ વાઘાણી, શ્રી જીવરાજભાઈ મિયાંણી, શ્રી પાર્થિવ ગોહિલ વગેરે સાથે ઉદ્યોગપતિ, અગ્રણીઓ જોડાયા હતા.
ભાવનગરના વિમાન મથક સાથે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી નામ જોડવા નમ્ર સૂચન
શ્રી મોરારિબાપુ વ્યાસપીઠને હંમેશા વિશાળ જ કરતાં રહ્યાં છે. કથા એ સંકુચિત નહિ સમાજ માટે નવા અને સંસ્કારી આયામ સાથે વિસ્તૃત કરવા કાયમ મથતા રહ્યા છે.
રામકથા દ્વારા સમાજને કંઈ ને કંઈ અંગૂલિનિર્દેશ થતો રહ્યો છે અને તે પણ આદેશ સ્વરૂપે નહિ, કદાચ સહજ અપેક્ષારૂપે જ. આજની કથામાં શ્રી મોરારિબાપુએ ભાવનગરના વિમાન મથક સાથે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી નામ જોડવા નમ્ર સૂચન કર્યું. ભાવનગર રાજ્ય માટે રાજવીઓના યોગદાન માટે ગૌરવ વ્યક્ત કર્યું.