ભાવનગર રામકથા શ્રી મોરારિબાપુએ કરી માતૃવંદના
માતૃશકિતમાં રહેલી પાંચ કાયા પૈકી કમનસીબે
આપણે માત્ર ભૌતિક કાયા જ ધ્યાને લીધી
ભાવનગરમાં રામકથાના સંવાદગાન સાથે શ્રી મોરારિબાપુએ કરી માતૃવંદના
ભાવનગર સોમવાર તા.૫-૧૨-૨૦૨૨
ભાવનગરમાં 'મારૂતિધામ' ખાતે ચાલતી રામકથાના સંવાદગાન સાથે શ્રી મોરારિબાપુએ માતૃવંદના કરી હતી અને માતૃશકિતમાં રહેલી પાંચ કાયા પૈકી કમનસીબે આપણે માત્ર ભૌતિક કાયા જ ધ્યાને લીધી તેમ કટાક્ષ કર્યો.
શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારથી ભાવનગર 'મારુતિધામ' ખાતે 'માનસ કેવટ' રામકથાના ત્રીજા દિવસે શ્રી મોરારિબાપુએ અંગધ અને હનુમાનજીના કથા સંવાદ પ્રકરણનો રસપૂર્વક ઉલ્લેખ કરી માતૃવંદના કરતાં માતૃશક્તિમાં રહેલ પાંચ કાયાઓ ભૌતિક કાયા, સંસ્કાર કાયા, બુદ્ધિ કાયા, વિવેક કાયા તથા ચિત્ત કાયા અંગે જણાવી કમનસીબે પુરુષપ્રધાન સમાજમાં માત્ર ભૌતિક કાયા જ ધ્યાને લીધી તેમ કટાક્ષ સાથે વસવસો પણ વ્યક્ત કર્યો. નારી શક્તિ સંદર્ભે કહ્યું કે પુરુષ સમાજને સંસ્કાર તો સ્ત્રી શક્તિમાંથી જ પ્રાપ્ત થાય છે. કથા કેન્દ્રમાં રહેલ કેવટ સંદર્ભે પણ શ્રી મોરારિબાપુએ માં, પુત્રવધૂ કે દીકરી આ બધું સંસાર નાવડીના કેવટરૂપ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો. આ સાથે જ રાજા ભરથરી, રાજા ગોપીચંદ વગેરે ચરીતો રજૂ કર્યા. પ્રકૃતિ એટલે જ સ્ત્રી તત્વ એમ ઉમેર્યું.
શ્રી મોરારિબાપુએ 'માનસ કેવટ' કથા પ્રવાહ સાથે ભક્તિભાવ અંગે કહ્યું કે, વિદ્વતા ગમે તેટલી હોય પરંતુ ભાવ વગર બધું નકામું છે. તેઓએ નભવાણી, નાભિવાણી અને નિર્દંભવાણી વિષે વાત કરી. આ સાથે જ કોઈ સાધુના પ્રભાવમાં આવવાના બદલે સ્વભાવમાં આવવા ભાર મૂક્યો અને બહુ સહજતાથી કહ્યું કે કોઈ કથાકાર મોટો નથી કે નાનો નથી, કોઈની પ્રસિદ્ધિ થઈ શકી છે, તો કોઈની થઈ નથી. કેટલાક મંદિરોમાં શાંતિ કે ભક્તિ નથી જે ઘણીવાર ઝૂપડામાં જોવા મળે છે, આવા ઘણાં દૃષ્ટાંતો અનુભવાયું હોવાનું કહ્યું.
કથા પ્રારંભ સંચાલન કરતા શ્રી નેહલ ગઢવીએ સ્ત્રી તત્વ અને પ્રેમ લાગણી વિશે ટુંક સંબોધન કર્યું.
રામકથામાં આજે રાજવી પરિવારના શ્રી સંયુક્તાકુમારીજી, શ્રી કલ્યાણીબહેનજી, ચિંતક વક્તા શ્રી ભદ્રાયું વછરાજાની, અગ્રણી શ્રી રાજુભાઈ રાણા, શ્રી વિભાવરીબેન દવે, શ્રી કોમલકાંત શર્મા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અગ્રણીઓએ લાભ લીધો હતો.
યજમાન પરિવારમાં જન્મદિવસની વાત
નિમિત્તમાત્ર યજમાન રહેલા વનાણી પરિવારના શ્રી દેવી બહેનનો જન્મદિવસ હતો, જે પ્રસંગે શ્રી જયંતભાઈ વનાણીએ ભાવ સાથે હૈયાની વાત કરી હતી અને જીવનમાં તેમના ધર્મપત્નીના સહયોગ અંગે જણાવ્યું એટલું જ નહિ પોતાના રાજકીય હોદ્દાઓ સાથે કરેલી ભૂલોનો પસ્તાવો અને વસવસો પણ આ તકે કરી લીધો.
શ્રી મોરારિબાપુએ અહી કથા વિરામ પહેલા જન્મદિવસ પ્રસંગે રાસ ગવરાવ્યો અને યજમાન અને શ્રોતાઓ સૌ મન મૂકીને રાસમાં નાચવા કૂદવા જોડાયા.
આ પ્રસંગે કથા પ્રારંભે શ્રી અયોધ્યાદાસ નિમાવત અને સાથીવૃંદ દ્વારા ભક્તિગાન રજૂ થયેલ, જેનાથી શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.