image

આંબલા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ

નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા
- લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે
આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ
 
ઈશ્વરિયા બુધવાર તા.૧૮-૧-૨૦૨૩
 
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ કહ્યું કે, નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે. અહી ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો વિવિધ કૃતિઓ સાથે જોડાયા છે.
 
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું  વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાયું છે.
 
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આ પ્રદર્શનનું ઉદઘાટન કરતા લોકવૈજ્ઞાનીક અને લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ વિજ્ઞાન વિશેના વિવેક અંગે ગાંધીજીના અભિપ્રાયનો ઉલ્લેખ કરી જણાવ્યું કે નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે, અન્યથા એ વિનાશ પણ નોતરી શકે છે. વિજ્ઞાન  ઝાકઝમાળને બદલે રોજિંદા જીવનમાં માણસ તરીકે જીવી શકીએ તેવું હોવું જરૂરી છે આ માટે તેના માનવીય અભિગમ પર તેઓએ ભાર મૂક્યો.
 
વિજ્ઞાન સંશોધન સંદર્ભે 'તાંત્રિકી અને રમકડાં' વિષય પરના બે દિવસના આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન રહેલા પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ તેમના મનનીય ઉદબોધનમાં વિજ્ઞાન એ મિત્ર બનવાના બદલે કેટલાક દુરુપયોગ અંગે રંજ વ્યક્ત કર્યો. વિજ્ઞાન સાથે ગણિત અને પર્યાવરણના આ વિષયને તેઓએ અનિવાર્ય ગણાવ્યો. વિદ્યાર્થીઓ માણસ તરીકે જીવી શકે અને યંત્રો હાવિ ન થઈ જાય તેવા વિજ્ઞાન માટેના અભ્યાસનો આગ્રહ વ્યક્ત કર્યો.
 
સંસ્થાના સંગીતવૃંદ દ્વારા 'ઈશ્વર તું પણ છે, વિજ્ઞાન...' ગાન સાથેના આ ઉપક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ વિજ્ઞાન પ્રયોગ સાથે ઉદ્દઘાટન વિધિ થઈ હતી.
 
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટે સ્વાગત ઉદબોધન કર્યું હતું, જ્યારે પ્રાસંગિક પરિચય સંસ્થાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાએ આપતા અહીંના કેળવણી મૂલ્યો વિશે વાત કરી.
 
ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી શિશિરભાઈ ત્રિવેદી તથા શિક્ષણ વિભાગના શ્રી રમેશભાઈ ઉપાધ્યાય દ્વારા પ્રાસંગિક વાત થઈ હતી.
 
અહીં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના પૂર્વ નિયામક શ્રી નલીનભાઈ પંડિત, સંસ્થાના અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ વાળા સાથે શિક્ષણ વિભાગના સંબંધિત કર્મચારીઓ અને શિક્ષકો જોડાયા હતા.
 
ઉદ્દઘાટન પ્રસંગે શ્રી દંગાપરા શાળાના બાળકોએ રાસ ગરબાની સુંદર પ્રસ્તુતિ કરી હતી.
 
આભાર વિધિ પ્રાચાર્ય શ્રી યાજુશીબેન જોષીએ કરી અને સંચાલનમાં વિદ્યાર્થિની કુમારી પલ્લવી સોલંકી રહેલ.